~ ‘ગોપકા’ દ્વારા સરકારી યોજનાઓ સહિત ખેતી વિષયક ઉત્પાદનલક્ષી માર્ગદર્શન
અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રાના મંગરા ખાતે પ્રાકૃતિક અને રસાયણમુક્ત ખેતીને પ્રાધાન્ય આપતા પરિસંવાદનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં કચ્છની ધરાને રસાયણિક ખાતરના ઝેરથી મુક્ત કરી ફળદ્રુપ બનાવવા ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરિસંવાદમાં ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટસ સર્ટિફિકેશન એજેન્સી (ગોપકા) દ્વારા મુંદ્રા અને માંડવીના ખેડૂતોને ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતો સાથે સેન્દ્રિય ખાતર થકી મહત્તમ પાક ઉત્પાદન મેળવવા અંગે પરિણામલક્ષી ચર્ચા કરવામાં આવી.
ગોપકાના ડાયરેક્ટર અને ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝના જનરલ મેનેજર એમ.કે. કુરેશીએ સેન્દ્રિય ખેતી પ્રમાણનની પ્રક્રિયાને પ્રોસ્તાહન આપતા પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉન્નતિ યોજનાનો લાભ લેવા વિશે વિસ્તૃત સમજ આપી હતી. આ સાથે જ તેમણે લાંબા ગાળે વધુ ફાયદો આપનારી પ્રાકૃતિક ખેતીને વેગ મળે તે માટે વધુને વધુ ખેડૂતોને આગળ આવવા આહ્વવાન કર્યુ હતું.
ગોપકાના ક્વોલિટી મેનેજર રવિ પ્રજાપતિએ ખેડૂતોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જમીનને તંદુરસ્ત અને ઉપજાઉ બનાવવા દવાઓ અને રસાયણમુક્ત રાખવાનું સૂચન કર્યું હતું. તેમણે સેન્દ્રિય ખાતરના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધારવા માટે ગૌમુત્ર અને છાણમાંથી બનાવેલા જૈવિક ખાતર વાપરવાનો અનુરોધ કર્યો હતો.
ટૂંકાગાળાના પાકોમાં ત્રીજા વર્ષેથી અને લાંબાગાળાના પાકોમાં ચોથા વર્ષે સેન્દ્રિય ખેતી પ્રમાણન મળે છે. એટલે કે જાગ્યા ત્યાંથી સવાર માની પ્રાકૃતિક ખેતી જેટલી જલદી અપનાવવામાં આવે એટલા જ વહેલા પરિણામો પ્રાપ્ત થશે.
ગોપકા દ્વારા અપાયેલ સેન્દ્રિય ખેતી પ્રમાણનથી 28 દેશોમાં ઉત્પાદનોનું બજાર વ્યવસ્થાપન કરી શકાય છે. પ્રમાણન મેળવવા માટેની પ્રક્રિયા સરળ અને સાતત્યવાળી છે. જ્યારથી ચાલુ કરો તે પ્રથમ દિવસ ગણાય, અને જો પાછા વળી જાવ તો ભૂલ્યા ત્યાથી ફરી ગણવા જેવી વાત છે. પ્રાકૃતિક ખેતીના વિચારને વળગી રહીને સંયમની સાથે ધીરજ રાખવી એ પક્રિયામાં જોડાવવાની પ્રાથમિક શરત છે.
આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના યુનિટ સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે પ્રાસંગિક ઉદબોધન કરી ટીમને પ્રોત્સાહન આપ્યુ હતું. અદાણી ફાઉન્ડેશનના માવજીભાઈ બારૈયાએ સામાજિક ઉત્તરદાયિત્વની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ પ્રાકૃતિક ખેતીની વિસ્તૃત માહિતી આપી હતી. ખેડૂતોને પ્રેક્ટીકલ અનુભવ મળી રહે તે માટે શ્રી રાજશક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી લી.ના પ્રમુખની વાડીની મુલાકાતે જઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી તરફનો ઝૂકાવ વધી રહ્યો છે, સમાજને ઝેરમુક્ત અને ભયમુક્ત ખોરાક પૂરો પાડવા કિસાન જાગૃત થતો જાય છે તેવામાં અવારનવાર આવા પરિસંવાદો તેમનામાં નવું જોમ અને પ્રોત્સાહન પુરુ પાડનારા સાબિત થશે તેમાં કોઈ બેમત નથી!
