~ આ 2 + 2 બેઠકમાં, રાજકીય વૈશ્વિક ક્ષેત્રે સહકાર લોકતંત્રની રક્ષા અને ઇન્ડો-પેસિફિક અંગે થશે ચર્ચા
~ આ મુલાકાત ઉપર ચીનની ચાંપતી નજર
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર ૭ થી ૧૦ સપ્ટેમ્બર સુધી ભારત-જાપાન ૨ + ૨ તેવી મંત્રીસ્તરીય મંત્રણા માટે જાપાનની સત્તાવાર મુલાકાતે જવાના છે. તેઓ તેમના સમકક્ષો સાથે સંરક્ષણ રાજકિય અને વૈશ્વિક ક્ષેત્રે સહકાર, લોકતંત્રની રક્ષા અને ઇન્ડો-પેસિફિક વિષે મંત્રણા કરશે.
આ પૂર્વે ૨૦૧૯માં બંને દેશો વચ્ચે સંરક્ષણ સહકાર મજબૂત બનાવવા તથા વિશેષ રણનીતિ તથા વૈશ્વિક ભાગીદારીને ગાઢ કરવા પણ મંત્રણા થઈ હતી. જેના પરિણામે અમેરિકાના અનુરોધથી કવોડની પણ રચના થઇ હતી. જેમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત જોડાયા હતા. ચીનની બાજનજર ત્યારથી જ આ ચાર દેશો ઉપર છે. તે જાણે જ છે કે તે ક્વોડ તેને ઘેરવા રચાયું છે.
ભારત ભૂરાજકીય ઉથલ-પાથલ ઉપર સતત નજર રાખી રહ્યું છે. વિશેષત: યુક્રેન સંકટ, ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં ચીનની વધી રહેલી આક્રમકતા અને તાઇવાન, સમુદ્રધુનિમાં ચીન અને તાઇવાન વચ્ચે વધી રહેલી તંગદીલી અંગે પણ તે ૨+૨ બેઠકમાં ચર્ચા થવા સંભવ છે.
આ ૨ + ૨ મંત્રણામાં જાપાનનાં પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ તેના સંરક્ષણ મંત્રી અસુકાજુ હમાદા અને વિદેશ મંત્રી યોશિમાસા હયાશી સંભાળશે.
ભારતના સંરક્ષણ મંત્રી તથા વિદેશ મંત્રી સાથે પણ નાનું એવું પ્રતિનિધિ મંડળ સહાય માટે સાથે રહેશે.
