જી. કે. જન. અદાણી હોસ્પિ. દ્વારા કચ્છમાં સૌપ્રથમ વખત યોજાયો રાજ્ય કક્ષાનો વર્ટીગો વર્કશોપ

~ વર્કશોપમાં બેંગલુરુના નિષ્ણાંત ડો. શ્રીનિવાસ દોરાસાલાનું ચાવીરૂપ ઉદબોધન

~ વર્ટીગોની સારવાર સરળ અને અક્સિર બની રહી છે

અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલ અને ઈ.એન.ટી. વિભાગના ઉપક્રમે વર્ટીગો (ચક્કર આવવા) અંગે કચ્છમાં સૌપ્રથમ વખત યોજાયેલા આ પ્રકારના રાજ્યકક્ષાના વર્કશોપમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત તબીબોએ કહ્યું કે હવે ઓછામા ઓછા રિપોર્ટ અને ઓછામાં ઓછી દવાઓથી વર્ટીગોની સારવાર સરળ અને અક્સિર બની છે.

અદાણી મેડિકલ કોલેજના લેકચર હોલમાં જી. કે. મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લઈના વડપણ હેઠળ આયોજીત આ વર્કશોપમાં બેંગલુરુના અને રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંત ડો. શ્રીનિવાસ દોરાસાલાએ ઉપસ્થિત તબીબોને પોતાના ચાવીરૂપ ઉદબોધનમાં કહ્યું કે હવે મેડિકલ સાયન્સ આ ક્ષેત્રે એડવાન્સ તબક્કા પર આવી ગયું છે. વી.એન.જી. (વિડીયો નિસ્ટેમોગ્રાફિ) મશીનના સથવારે થતું વર્ટીગોનું નિદાન અત્યંત કારગર પુરવાર થઈ રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે ચક્કર આવવાના અનેક કારણો હોય છે પરિણામે આ પ્ર્કારના દર્દીને એક ડોક્ટરના દ્વારેથી બીજા તબીબ પાસે નિદાન સારવાર માટે જવું પડતું હોય છે જે હવે સંકલિત અને સમગ્ર પ્ર્ક્રિયા સુલભ થઈ રહી હોવાથી દર્દીને રાહત મળશે. તેમણે આ તબક્કે વી.એન.જી. મશીનનું નિદર્શન કરી કચ્છ અને ગુજરાતનાં ઉપસ્થિત ૭૦ જેટલા વિવિધ વિભાગના તબીબોને માર્ગદર્શન આપ્યું. બીજી તરફ આ પ્રક્રિયા અને વર્કશોપ યુ ટ્યુબ ઉપર લાઈવ કરી સમગ્ર દેશને પણ નિહાળવાનો મોકો મળ્યો હતો.

જી. કે. ના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લઈએ જણાવ્યુ હતું કે કચ્છ માટે આ અનોખી ઘટના છે. કચ્છના તબીબો આ પ્ર્કારના નિદાનથી વાકેફ થઈ રહ્યા છે ત્યારે સરહદી જિલ્લા માટે ઉપયોગી પુરવાર થશે. આ પ્રસંગે ગુજરાતનાં મોટા શહેરોમાથી ઉપસ્થિત તબીબોએ પણ પોતાના અનુભવો વાગોળી કચ્છ માટે આ વર્કશોપ આર્શિવાદરૂપ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. જી. કે. ચીફ મેડી. સુપ્રિ. અને ઈ. એન. ટી. વિભાગના હેડ ડો. નરેન્દ્ર હિરાણીએ ઉપસ્થિત તબીબોને આવકારી સેમિનારનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. એ. એન. ઘોષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઈ. એન. ટી. વિભાગના તબીબો ડો. અજિત ખીલનાની, ડો. રશ્મિ સોરઠિયા સહિત સમગ્ર ટીમે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત લીધી હતી.        

Leave a comment