– ભારતે જૂની વિચારણા છોડી દરેક દેશ સાથે સંબંધોની તુલના કરી દેશ હિતને પ્રાથમિકતા આપવી પડશે
– દેશને વિભાજન, આર્થિક સુધારા અને પરમાણું શક્તિ અંગેના મોડા નિર્યણથી નુકસાન
આઝાદી સમયે દેશનું વિભાજન, આર્થિક સુધારણામાં લગભગ 15 વર્ષ જેટલું મોડું થવું અને પરમાણુ શક્તિ તરીકે પ્રસ્થાપિત થવામાં વિલંબ આ ત્રણ એવી ચીજો છે કે જેની દેશના સામાજિક અને આર્થિક વિકાસ ઉપર અસર થઇ છે અને તેનાથી દેશને નુકસાન થયું છે, એમ દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે અમદાવાદ ખાતે જણાવ્યું હતું.
અમદાવાદ ખાતે વિદેશ મંત્રી એસ. જયશંકરના પુસ્તક ઇન્ડિયા વે: સ્ટ્રેટેજીસ ફોર અનસર્ટેન વર્લ્ડના ગુજરાતીમાં અનુવાદિત પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે આ વાત કરી હતી. “ભારત માટે ચીન એક સુપર પાડોશી છે. માત્ર સરહદ નહી પણ આર્થિક રીતે પણ તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. આર્થિક વિકાસમાં ભારત અને ચીનની સરખામણી થતી આવી રહી છે. પણ મારું માનવું છે કે ભારત કરતા ચીનમાં આર્થિક સુધારણા પહેલા શરૂ થઇ હતી. ભારતે આ માટે બીજા 15 વર્ષ જેટલો સમય લીધો. બીજું, ચીનના આર્થિક સુધારા વધારે વ્યાપક હતા એટલે પણ ભારત તેના કરતા પાછળ રહી ગયું છે,” એમ જયશંકરે જણાવ્યું હતું.
એસ. જયશંકરે ભારત સરકારમાં 38 વર્ષ સુધી ડીપ્લોમેટ તરીકે, દેશના ચીન, સિંગાપોર, અમેરિકા અને જાપાન તરીકેના રાજદૂત તરીકે અને નિવૃત્તિ પહેલા દેશના વિદેશ સચિવ તરીકે ફરજ બજાવી હતી. પોતાના પુસ્તકમાં તેમણે ભારતના પૌરાણિક ઈતિહાસ અને તેના સંદેશ થકી ભારત વૈશ્વિક રીતે અનિશ્ચિત સમયમાં પોતાના માર્ગ કેવી રીતે કાઢી આગ વધી શકે તે અંગે ચાર દાયકાના અનુભવના આધારે પોતા વિચાર રજુ કર્યા છે.
દેશની વિદેશનીતિ માત્ર દિલ્હીમાં જ વિચારવું જોઈએ કે એક સીમિત નીતિથી જ આગળ વધી શકાય એવો સમય હવે પૂર્ણ થયો છે માત્ર સરહદ જ નહી પણ દેશના દરેક માનવી ઉપર, અર્થતંત્ર ઉપર તેની અસર કેવી પડી રહી છે તેના આધારે દેશની વિદેશ નીતિ નક્કી કરવી પડશે. “ક્યારેક કોઈ એક દેશને મદદ કરી, ક્યારેક તેની મદદ મેળવી અને ક્યારેક બન્નેના હિતો અંગે વિચાર કરવાનો સમય આવ્યો છે,” એમ વિદેશ મંત્રીએ જણાવ્યું હતું.
ભારતે હવે તેની ભૂતકાળની વિચારધારા છોડી દેવાનો સમય આવી ગયો છે. આ વિચારધારા દેશને એક સીમાડામાં બાંધી દે છે એમ વિદેશ મંત્રીએ જણાવ્યું હતું. “ભારતે હવે હિન્દ મહાસાગરની સીમાની બહાર, પેસિફિક મહાસાગર વિશે પણ વિચારવું જોઈએ. ભારતનો ૫૦ ટકા વ્યાપાર આ પેસિફિક સમુદ્રથી બહાર થાય છે. આ સીમાઓ છે પણ ભૂગોળમાં કે એટલસમાં છે અને માત્ર આપણા વિચારોમાં જ છે. હવે આ જૂની વિચારધારા છોડી ઇન્ડો-પેસિફિકના નવા માર્ગને અપનાવવાનો સમય છે,” એમ તેમણે જણાવ્યું હતું.
“શક્ય છે કે ભારત પાસે પચાસ કે સાઈઠ દાયકામાં ક્ષમતા ન હતી, આપણા રાષ્ટ્રીય હિતો અલગ હતા પણ હવે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. પાંચમાં ક્રમે અને વીસમા ક્રમમાં રહેલાના વિચારો સમાન ન હોય શકે. આપણી ક્ષમતા અનુસાર હવે બદલવાનો સમય આવી ગયો છે,”એમ વિદેશ મંત્રીએ જણાવ્યું હતું. ભારત હવે એવા મૂકામ ઉપર છે જયારે તેણે દરેક દેશો સાથે સંબંધો સ્થાપિત કરી, જાળવી આગળ વધવાનું છે. આગળ વધવા પોતાના હિતોની પ્રાથમિકતા આપી સાથે ચાલવાનો સમય આવ્યો છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
