ભારતીય શેરબજારમાં સતત બીજો માસિક સુધારો ચાલુ રહેવા છતાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ) અને મ્યુચ્યુઅલ ફંડો બંને એ સતત 18 મહિના સુધી એકધારી લેવાલી કર્યા બાદ ઓગસ્ટમાં ચોખ્ખા વેચવાલ બન્યા છે. જે શેરબજારમાં ઉંચા મથાળે સ્થાનિક રોકાણકારોની નફાવસૂલીના સંકેત આપે છે.
ઓગસ્ટમાં મ્યુ. ફંડોએ ભારતીય શેરબજારમાં રૂ. 1642 કરોડની મૂલ્યના શેર વેચ્યા છે, તો ડીઆઇઆઇનો કુલ આઉટફ્લો રૂ. 7069 કરોડ રહ્યો છે, આમ કુલ વેચવાલીનો કુલ આંકડો રૂ. 8709 કરોડ થયો છે. અગાઉ માર્ચ 2021થી જુલાઇ 2022 દરમિયાન ડીઆઇઆઇએ રૂ. 3.65 લાખ કરોડ અને મ્યુ. ફંડોએ રૂ. 2.55 લાખ કરોડનું રોકાણ હતુ.
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોમાં મ્યુ. ફંડો ઉપરાંત વીમા કંપનીઓ અને પેન્શન ફંડો જેવા મોટા રોકાણકારોનો સમાવેશ થાય છે. ડીઆઇઆઇની વેચવાલી એ વિદેશી રોકાણકારોની ભારતીય બજારમાં વાપસી વચ્ચે આવી છે. ઓગસ્ટમાં વિદેશી રોકાણકારોએ રૂ. 65,859 કરોડનું રોકાણ કર્યુ છે સતત બીજો માસિક ચોખ્ખો મૂડીપ્રવાહની સાથે સાથે નવેમ્બર 2020 પછીનો સૌથી મોટો માસિક ઇનફ્લો છે. જુલાઇમાં વિદેશી રોકાણકારો એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યૂશન ઇન્વેસ્ટર્સ (એફઆઇઆઇ)એ રૂ. 6720 કરોડના શેર ખરીદ્યા હતા. જ્યારે તેની પૂર્વે ઓક્ટોબર 2021થી જૂન 2022 સુધીના નવ મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતમાંથી રૂ. 2.99 લાખ કરોડ પાછા ખેંચ્યા હતા અને શેરબજારમાં મોટા કડાકાનું કારણ બન્યા હતા. એફઆઇઆઇના ચોખ્ખા રોકાણથી ડીઆઇઆઇ અને મ્યુ. ફંડોની વેચવાલીને સરભર કરવામાં મદદ મળી છે.
બજારના ખેલાડીઓનું કહેવુ છે કે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ જૂનના નીચલા સ્તરેથી બજારમાં ઝડપી રિકવરી બાદ એક્સપોઝર ઘટાડવાનું શરૂ કર્યુ છે. શુક્રવારે બેન્ચમારક નિફ્ટી-50 ઇન્ડેક્સ 17,539ના સ્તરે બંધ રહ્યો હતો, જે 17 જૂન 2022ની નીચી સપાટીથી 15 ટકાની રિકવરી દર્શાવે છે. જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષ 20202માં અત્યાર સુધીમાં નિફ્ટી-50 ઇન્ડેક્સ માત્ર 1 ટકા જ વધ્યો છે. રસપ્રદ બાબત એ છે કે ચાલુ કેલેન્ડર વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં રૂ. 1.45 લાખ કરોડની મૂલ્યના શેર વેચ્યા છે જ્યારે બીજી બાજુ મ્યુ. ફંડોએ રૂ. 1.44 લાખ કરોડના શેર ખરીદયા છે.
