– વિંઝાણ ગામના મહિલાને ગર્ભાશયની કોથળી દૂર કરી, ગર્ભાશયને આંતરડાથી છૂટું કરી તેમજ ૧૪ બોટલ લોહી આપી સારવાર કરી
– સ્ત્રીરોગ વિભાગ, જનરલ સર્જરી અને એનેસ્થેસિયા વિભાગે કર્યું સફળ ઓપરેશન
અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં માતા અને બાળક માટે ઊભી થયેલી જોખમી પરિસ્થિતિ સામે ગાયનેક, જન. સર્જરી અને એનેસ્થેસિયા વિભાગના તબીબોએ ત્રિપાંખીયો જંગ ખેલી બન્ને ને હેમખેમ બચાવી લીધા.
અબડાસા તાલુકાનાં વિંઝાણગામની ૨૬ વર્ષીય રેશ્માબેન સિકંદરને ડિલિવરી માટે હોસ્પીટલમાં લાવવામાં આવ્યા ત્યારે ગર્ભમાં પોષાતા શિશુના પોષણ અને સુરક્ષા માટેની મેલી (પ્લેશેન્ટા) ગર્ભાશયની દિવાલ સાથે છેક ઊંડાણ સુધી ચીપકી ગઈ હતી, સાથે સાથે મૂત્રાશયને પણ પકડમાં લેતા સ્થિતિ વિષમ બની ગઈ હોવાનું જણાયું. અધુરામાં પૂરું ગર્ભાશય પણ આંતરડા સાથે ચોટી જતાં તેમાં બ્લીડિંગ શરૂ થઈ જતાં તેની ગંભીરતા વધી ગઈ હતી.
જી. કે. જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના સિનિયર રેસિડેન્ટ ડો. દિવ્યાંશી સાનીએ વિગતો આપતા કહ્યું કે મેડિકલ ભાષામાં આ પ્રિસ્થિતિને પ્લેસેન્ટા એક્રેટા કહે છે જેમાં ખૂબ લોહી વહે છે. દર્દી અને બાળકને બચાવવાની પ્રાથમિકતા હોવાથી સીજીરિયન કરી બાળકને લેવામાં આવ્યું બીજી તરફ માતાના ગર્ભાશયની કોથળી કાઢી લેવામાં આવી. દરમ્યાન જનરલ સર્જન ડો. હાર્દિક પટેલે ઓપરેશન કરી ગર્ભાશય અને આંતરડાને છૂટા પાડયા હતા. આ સમગ્ર અવસ્થા દરમ્યાન માતાને ૧૪ બોટલ લોહી અને લોહીના કણ આપવામાં આવ્યા હતા.
સ્ત્રીરોગ વિભાગના વડા ડો. અસરફ મેમણના માર્ગદર્શન હેઠળ ડો. સાની સાથે સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. નિધિ પટેલ, ડો. આકાશ સુતરીયા, ડો. કવલ શાહ તેમજ એનીસ્થેટિક ડો. પુજા ધામેચા જોડાયા હતા. માતાને લાઈફ સેવિંગ સિસ્ટમ તેમજ બાળકને પેટીમાં રાખી સારવાર આપવામાં આવી હતી. સમગ્ર સારવાર નિશુલ્ક કરવામાં આવી હતી.
