આર્થિક પ્રવૃત્તિઓ વધવાની સાથે સાથે ગુડ્સ અને સર્વિસ ટેક્સ હેઠળ સરકારની કમાણી વધી રહી છે. ઓગસ્ટ મહિનામાં જીએસટી ક્લેક્શન રૂ. 1,43,612 કરોડ નોંધાયુ છે જે વાર્ષિક તુલનાએ 28 ટકા વધારે વસૂલાત છે. આ સાથે જ સતત છઠ્ઠા મહિને માસિક જીએસટી ક્લેક્શન રૂ. 1.40 લાખ કરોડની ઉપર રહ્યુ છે. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ઓગસ્ટ 2021માં સરકારને જીએસટી હેઠળ રૂ. 1,12,020 કરોડની કમાણી થઇ હતી.
ઓગસ્ટમાં જીએસટી પેટે સરકારને કુલ રૂ. 1,43,612 કરોડની આવક થઇ છે, જેમાં સેન્ટ્રલ જીએસટી (CGST) પેટે રૂ. 24,710 કરોડ, સ્ટેટ જીએસટી (SGST) પેટે રૂ. 30,951 કરોડની વસૂલાત થઇ છે. તો ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST) પેટે રૂ. 77,782 કરોડની વસૂલાત થઇ છે, જેમાં માલસામાનની આયાત પરના ટેક્સ પેટે રૂ. 42,067 કરોડ અને સેસ હેઠળ રૂ. 10,16 કરોડ અને માલની આયાત પર વસૂલાયેલો રૂ. 1,018 કરોડનો ટેક્સ સામેલ છે.
