Starbucksની કમાન ભારતીયના હાથમાં

– ફરી પાટે ચઢાવવાની મળી જવાબદારી

આર્થિક સંકળામણનો સામનો કરી રહેલ વિશ્વની સુપ્રખ્યાત કોફી ચેઈન સ્ટારબક્સને ફરી પાટે ચઢાવવાની જવાબદારી એક ભારતીય મૂળના વ્યક્તિને મળી છે. સ્ટારબક્સ કોર્પે ગુરુવારે ભારતીય મૂળના લક્ષ્મણ નરસિમ્હનની તેના આગામી મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિમવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી નરસિમ્હન રેકિટના CEO તરીકે ફરજ બજાવતા હતા. Reckitt Durex Condoms, Enfamil Baby Formula and Mucinex Cold Syrupનું ઉત્પાદન કરે છે. લક્ષ્મણના રેકિટના સીઈઓ પદેથી રાજીનામું આપ્યાના સમાચાર સાથે FTSE પર શેરના ભાવમાં 4%નો ઘટાડો નોંધાયો હતો.

આ અગાઉ નરસિમ્હન પેપ્સીકોમાં પણ અનેક મહત્વના હોદ્દા પર કામ કરી ચૂક્યાં છે. તેઓ પેપ્સિકોમાં ગ્લોબલ ચીફ કોમર્શિયલ ઓફિસર પણ હતા. તેમણે કંપનીના લેટિન અમેરિકા, યુરોપ અને સબ-સહારન આફ્રિકાન કારોબારના સીઈઓ તરીકે પણ સેવા આપી હતી. નરસિમ્હને કન્સલ્ટિંગ ફર્મ મેકકિન્સે એન્ડ કંપનીમાં સીનિયર પાર્ટનર તરીકે પણ સેવા આપી છે.

સ્ટારબક્સની હાલત કફોડી :

મહામુસીબતે ફરી પાટે ચઢી રહેલ કોફી ચેઈન-સ્ટારબક્સને ફરી કોરોનાએ ફટકો માર્યો હતો. અમેરિકામાં કંપનીના લગભગ 200 સ્ટોર્સમાં કર્મચારીઓ વધતી જતી મોંઘવારીને અનુરૂપ વધુ સારા લાભો અને વેતનની માંગ સાથે યુનિયનો બનાવી રહ્યા છે. કંપની માટે ચીન પણ સૌથી મોટું વિદેશી બજાર છે. કોરોના પ્રતિબંધોને કારણે ચીનમાં કંપનીનો બિઝનેસ લગભગ ઠપ્પ થઈ ગયો છે. કંપની અહીં ફરી બેઠી થવા માંગે છે. એશિયન દેશોના કારોબારના બહોળા અનુભવને કારણે કંપનીનું સુકાન નરસિમ્હને આપવામાં આવ્યું છે.

રેકિટને રોકેટ ગતિ આપી : 

ભારતીય મૂળના નરસિમ્હન સપ્ટેમ્બર 2019માં રેકિટ કંપનીમાં જોડાયા હતા. 1999માં કંપનીની રચના થઈ ત્યારથી રેકિટમાં સીઈઓનું પદ સંભાળનાર તેઓ પ્રથમ બહારના વ્યક્તિ હતા. તેમણે કોરોના મહામારી જેવા કપરાકાળમાં પણ કંપનીનું નેતૃત્વ કર્યું હતુ.

ઓક્ટોબરમાં પદ સંભાળશે

લક્ષ્મણ નરસિમ્હન ઓક્ટોબરમાં સ્ટારબક્સ સાથે જોડાશે. વચગાળાના સીઈઓ હોવર્ડ શુલ્ટ્ઝ જ્યાં સુધી નરસિમ્હન સીઈઓનું પદ સંભાળશે નહીં ત્યાં સુધી કંપનીનું નેતૃત્વ ચાલુ રાખશે. શુલ્ટ્ઝે કેવિન જોન્સનની નિવૃત્તિ બાદ એપ્રિલમાં ત્રીજી વખત કંપનીની બાગડોર સંભાળી હતી.

Leave a comment