જી. કે. જનરલ અદાણી હોસ્પિટલ દ્વારા ઓગસ્ટ માસમાં ૩.૯૪ લાખ સીસી રક્ત એકત્રિત કરાયું

૯ કેમ્પ અને ઇનહાઉસ દ્વારા થયું આયોજન : સપ્ટે. માં વધુ પાંચ કેમ્પ યોજાશે

અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલ દ્વારા વીતેલા ઓગસ્ટ માસમાં વિવિધ તહેવારો વચ્ચે પણ ખાસ જુંબેશ કરી નવ જુદા જુદા કેમ્પ અને ઇન હાઉસ બ્લડબેંક દ્વારા હોસ્પિટલની જરૂરિયાતની નજરે ૩.૯૪ લાખ સીસી અર્થાત ૯૫૭ બેગ્સ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.  

હોસ્પિટલની બલ્ડબેંક મારફતે ઓગસ્ટ માસમાં ૯ કેમ્પ દ્વારા ૫૫૭ બેગ્સ અને ઇનહાઉસ દ્વારા ૪૦૦ થેલી લોહી ભેગું કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અદાણી ફાઉન્ડેશન મુંદ્રા, સી.એચ.સી. નખત્રાણા, અમરાપર, આર.એસ.એસ., પાટીદાર સમાજ વરઝડી, કોટડા (ચાંદરાણી) યુવા કેમ્પ, ભુજ આર્મી કેમ્પ, લાયન્સ ક્લબ માધાપર, કચ્છ મંડપ એન્ડ ઈલે. એસો. તેમજ કે.ડી. મોટર્સ સંસ્થાનો સહયોગ મળ્યો હતો એમ જી. કે. બ્લડબેંકના હેડ ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાયે સંસ્થાઓનો આ કાર્યમાં યોગદાન સંદર્ભે આભાર માનતા જણાવ્યુ હતું.

વર્તમાન સપ્ટેમ્બર માસમાં વધુ ને વધુ રક્તદાતાઓ સામે આવે અને લોકો રક્તદાન કરવા પ્રેરાય એ માટે આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે વધુ પાંચ કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૪/૯ ના રોજ ભુજ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ટાઉનહૉલ ખાતે આયોજીત સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ, ૫/૯ ના શિક્ષકદિન નિમિત્તે શિક્ષકો દ્વારા લાયન્સ ક્લબ ભુજ, ૧૧/૯ ના વી.ડી. હાઈસ્કૂલ લોહાણા સમાજવાડી ખાતે, ૧૭/૯ ના ઓલ ઈન્ડિયા મેગા ડ્રાઈવ રક્તદાન કેમ્પ નિમિત્તે ભુજ ખાતે જૈન તેરાપંથી સમાજ અને ૨૯/૯ ના એન.સી.સી. કેડેટ્સ દ્વારા રક્તદાન શિબિર યોજાશે.

આ ઉલ્લેખનીય છે કે આ એકત્રિત થયેલા રક્તનો ઉપયોગ હોસ્પીટલમાં કરવામાં આવે છે તેમજ જી. કે. ની બ્લડબેંક એક મધર બ્લડબેંક તરીકે પણ કાર્ય કરતી હોઈ કચ્છના ૧૦ આરોગ્ય કેન્દ્રોમાં રક્ત પહોચાડવાનું કાર્ય કરે છે. આ કાર્યમાં બ્લડબેંકના કાઉન્સેલર, ટેકનિશિયન તેમજ સ્ટાફનો સહયોગ મળી રહ્યો છે.   

Leave a comment