ઓનલાઇન તોલમાપના મશીન વેચતી 63 કંપનીઓને નોટિસ

ઇ-કોમર્સ પ્લેટફોર્મ મારફતે વ્યક્તિગત વજન, તોલમાપના મશીન એટલે કે કિચન સ્કેલ (રસોઇ માટેના તોલમાપના મશીન) વેચતા 63 મેન્યુફેક્ચર્સ, આયાતકારો અને વિક્રેતાઓને સરકારે નોટિસ ફટકારી છે.  

સરકારે આ નોટિસમાં તેમને પૂછ્યુ છે કે, શું તેમણે તમામ નિયામકીય માપદંડોનું પાલન કર્યુ છે કે નહીં. ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર આ પ્રોડક્ટોના ગેરકાયદેસર વેચાણ મામલે ગ્રાહકો તરફથી ઘણી ફરિયાદો મળ્યા બાદ સરકારે નોટિસ ફટકારી છે.

ગ્રાહક બાબતોના મંત્રાલયના એક ઉચ્ચે અધિકારીએ જણાવ્યુ કે, ગ્રાહકોની ફરિયાદ અને નિરિક્ષણના આધારે જૂનથી 29 ઓગસ્ટની વચ્ચે તોલમાપ મશીનના 63 ઉત્પાદકો, આયાતકારો અને વિક્રેતાઓને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં ઉત્પાદકો, આયાતકારો અને વિક્રેતાઓના વેઇટ મશીનને મંજૂરી, માન્ય લાઇસન્સ અને વજનના માપની ચકાસણીની વિગતો આપવા જણાવ્યું છે.

અધિકારીએ જણાવ્યુ કે, એવુ જોવા મળ્યુ છે કે, વજન અને માપના ઉપકરણોમાં કેટલાક ઉત્પાદકો, આયાતકારો કાયદાકીય જોગવાઇનું પાલન કર્યા વગર કિચન સ્કેલ અને વ્યક્તિગત વપરાશના વજન મશીન વેચી રહ્યા છે. લિગર મેટ્રોલોજી એક્ટ – 2009 અનુસાર ઉત્પાદકો અને આયાતકારોએ પોતાના વજન અને માપના ઉપકરણોના મોડલ, મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ, આયાત રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન / સ્ટેમ્પિંગ માટે મંજૂરી મેળવવી જરૂરી છે.

Leave a comment