– આંતરરાજય ડ્રગ્સની હેરાફેરીના તાર ફરી એક વખત કચ્છ સુધી લંબાયા
– લુધિયાણાના રાજેશકુમાર ઊર્ફે સોનું ખત્રીએ તેને કચ્છથી ડ્રગ્સની ફેરી કરીને પંજાબ લઈ આવવા જણાવ્યુ હતુઃ ટ્રક ચાલકની કબુલાત
– એટીએસની ટુકડીના કચ્છમાં ધામા, લખપત તાલુકાને ખુંદી વળી, સ્થાનિક ગેંગ બહાર આવવાની શકયતા
પંજાબના લુધિયાણામાં ૩૮ કિલો હેરોઈન લઈ જતા ઝડપાયેલી ટ્રકના પ્રકરણનો રેલો કચ્છ સુધી પહોંચ્યો છે. ઘટનાની તપાસ માટે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડની એક ટુકડી કચ્છ સુધી દોડી આવી છે. ટ્રકમાં જે હેરોઈન ભરવામાં આવ્યુ હતુ તે કચ્છમાંથી ભરી આપવામાં આવ્યુ હતુ. આમ, પંજાબમાં પકડાયેલા ડ્રસ્સના પ્રકરણને લઈને ફરી કચ્છ કનેકશનનો પર્દાફાશ થયો છે.
લુધિયાણા પોલીસે બાતમીના આધારે શહીદ ભગતસિંહ એસબીએસનગરના મહાલોન બાયપાસ પર નાકાબંધી કરી ડ્રગ્સ લઈ જતીને ટ્રક અટકાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ, ચાલકે ટ્રક રોકવાને બદલે પુરઝડપે હંકારી મુકી હતી. પોલીસે પીછો કરીને ટ્રક તેમજ ચાલક કુલવીન્દર રામ ઉર્ફે કીડા અને કિલનર બિટ્ટને પકડી પાડયા હતા. ટ્રકબોકસની તપાસ કરતા તેમાંથી તાડપત્રીમાં વીંટાળેલુ ૩૮ કિલો હેરોઈન મળી આવ્યુ હતુ.
ચાલકે કબુલ્યુ હતુ કે, લુધિયાણાના રાજેશકુમાર ઊર્ફે સોનું ખત્રીએ તેને કચ્છથી ડ્રગ્સની ફેરી કરીને પંજાબ લઈ આવવા જણાવ્યુ હતુ. રાજેશકુમારે ટેલિગ્રામ એપથી તેને કોલ કરી કચ્છમાં જે સ્થળેથી હેરોઈન લેવાનું હતુ તેનું લોકેશન મોકલ્યુ હતુ. આરોપી તે સ્થળે માલ લેવા પહોંચ્યો ત્યારે કોઈ અજાણ્યો માણસ આવીને ટ્રકમાં હેરોઈન લોડ કરી આપ્યુ હતુ.
આ હેરોઈન કાંડમાં પંજાબના સોમનાથ ઉર્ફે બીક્કો નામના શખ્શની સંડોવણી પણ બહાર આવી છે.રાજેશુકુમાર રીઢો આરોપી છે. તેની સામે અગાઉ પણ બોગસ દસ્તાવેજો બનાવવા, ડ્રગ્સની હેરાફેરી અને હત્યા સહિતના ૧૯ ગંભીર નોંધાયેલા છે. ડ્રાઈવર કુલવિન્દર પણ રીઢો ગુનેગાર છે. તેને અફીણની હેરાફેરીના ગુનામાં ૧૦ વર્ષની સજા થઈ ચુકેલી છે. રાજેશકુમારના કહેવાથી કુલવિન્દરે અગાઉ પણ શ્રીનગરમાંથી ૩૦ કિલો અને દિલ્હીથી ૧ કિલો ડ્રગ્સની હેરાફેરી કરી હતી.
આમ, આંતરરાજય ડ્રગ્સની હેરાફેરીના તાર ફરી એક વખત કચ્છ સુધી લંબાયા છે. ગુજરાત એટીએસની ખાસ ટુકડી કચ્છ દોડી આવી છે. હાલમાં લખપત તાલુકાને એટીએસ ખુંદી રહી છે. આગામી દિવસોમાં સ્થાનિક ગેંગનો પર્દાફાશ થાય તેવી શકયતાઓ વ્યકત થઈ રહી છે.
