– આઝાદીના અમૃત મહોત્સવ અને ડૉ. પ્રિતી અદાણીના જન્મદિનની ઉત્સાહભેર ઉજવણી
મુંદ્રાની મહિલાશક્તિને આત્મનિર્ભર બનાવવાના મહત્વાકાંક્ષી સંકલ્પમાં પ્રાણ ફૂંકાયો છે. આઝાદીના અમૃત મહોત્સવની સાથે મહિલાશક્તિને આત્મનિર્ભર બનાવવાના હેતુસર 75 મહિલાઓને સ્વરોજગાર રળનારી બનાવવામાં આવી છે. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રિતીબેન અદાણીના જન્મદિને મુંદ્રાની આસપાસના 8 ગામોની સફળ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે મહિલાઓમાં રહેલી અસામાન્ય પ્રતિભાને ઉજાગર કરતા પુસ્તક ‘પ્રગતિ’નું વિમોચન કરવામાં આવ્યું હતું.
ડૉ. પ્રીતિબેન અદાણીના 57મા જન્મદિને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની શ્રૃંખલામાં મુંદ્રાની આસપાસના ગામોની મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવી. આ ગામોમાં નવીનાળ,ઝરપરા, મોટા કપાયા, લૂણી, મોટા કાંડાગરા, શેખડિયા અને ભુજપુરનો સમાવેશ થાય છે. લાભાર્થીઓને વિવિધ કાઉન્સીલીંગ, ટ્રેનીંગ અને આર્થિક સહયોગ કરી સરકારી યોજનાઓ દ્વારા સ્વસહાય જૂથો ઉભા કરવામાં આવ્યા છે. ઘરકામની સાથોસાથ એક ગૃહિણી સ્વરોજગારી મેળવતી થાય તો આખોય પરિવાર આત્મનિર્ભરતા તરફ ગતિ કરે છે.
આ કાર્યક્રમમાં મુંદ્રા સ્થિત અદાણી ફાઉન્ડેશન સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે જણાવ્યું હતું કે “એક મહિલા ધારે તો શું કરી શકે? આ 75 બહેનો એના ઉત્તમ ઉદાહરણો છે. તેમના પડકારજનક અનુભવોમાંથી અન્ય મહિલાઓ પ્રેરણા મેળવી પ્રગતિના પંથે આગળ વધી શકે છે. ડૉ. પ્રીતિબેનના જન્મદિને ‘પ્રગતિ’પુસ્તકનું વિમોચન ગૌરવની વાત છે”.
આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશને નિભાવેલી સામાજિક જવાબદારી દર્શાવતી શોર્ટફિલ્મ તથા તમામ સફળ મહિલાઓનો પરિચય કરાવવામાં આવ્યો. મહિલાઓના ઉત્કર્ષ માટે સતત કાર્યરત એવા ડૉ. પ્રિતીબેન અદાણીને સૌએ કેક કાપીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.
અદાણી કોર્પોરેટ અફેર્સના હેડ સૌરભભાઈ શાહે મહિલાઓની આત્મનિર્ભરતામાં પરિવારની ઉન્નતિ સમાયેલી હોવાનું જણાવી સફળ મહિલાઓના પરિવારને પણ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે એચ.આર. હેડ અરિંધમ ગૌસ્વામી જણાવ્યું હતું કે “ આવનારા સમયમાં આ 75 મહિલાઓ પ્રત્યેક અન્ય 10 મહિલાઓને તૈયાર કરશે તો 750 બહેનો આત્મનિર્ભર બનશે. સહકારની જરૂર હશે ત્યાં અમો આપની સાથે ખડેપગે ઉભા રહીશું.“
આ પ્રસંગે APSEZના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે ખાસ સંદેશ આપતા કહ્યું કે “ડૉ. પ્રીતિબેનના જન્મદિને 75 સન્નારીઓનું સન્માન કરતાં અમે હર્ષ અનુભવીએ છીએ. હજુ પણ જરૂરિયાતમંદ બહેનોને આપ તૈયાર કરજો અમે આપની સાથે જ છીએ“.
ડૉ. પ્રીતિબેને પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું કે “આ 75 મહિલાઓની સફળ આત્મનિર્ભરતા મારા 57માં જન્મદિનની સૌથી મોટી ભેટ છે. આપ ક્યાંય અટકશો નહીં, સતત આગળ વધશો. અમે આપની યાત્રામાં સદૈવ સહભાગી રહીશું. “ આ કાર્યક્રમમાં પ્રજ્ઞાબા ભાટી, લીલાબા ચાવડા, મેઘનાબેન, મીનાબેન, દીપાબેન,આરતીબેન અને અંજલીબેને અદાણી ફાઉન્ડેશને તેમને આત્મનિર્ભર થવામાં કરેલી મદદને આભારસહ વધાવ્યું હતું. કાર્યક્રમમાં નારી સફળતાની ગાથાઓનું આલેખન કરનાર રિદ્ધિબેન ત્રિવેદી, સંપાદક પારસભાઈ મહેતા, સંકલકર્તા દેવલબેન ગઢવી અને ફોટોગ્રાફર વિરલકુમાર બારૈયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
