અદાણી મેડિકલ કોલેજમાં સર્જનહારની અદ્ભુત શરીરરચના ભાવી ડોક્ટર્સના દેહ ઉપર ક્લારૂપે  પ્રકટી

~ એનટોમી વિભાગ આયોજીત ‘ધાઉ આર્ટ, માય કેનવાસ’ અંતર્ગત કાર્યક્ર્મમાં મેડી. કોલેજના ૧૫૦ તબીબી વિધ્યાર્થી જોડાયા

~ ગુજરાતમાં અનોખો તબીબી સહ-શૈક્ષણિક કાર્યક્ર્મ ભુજ મેડિકલ કોલેજમાં યોજાયો

સર્જનહારે માનવદેહના અવયવોની કરેલી અદ્ભુત રચનાની અદાણી મેડિકલ કોલેજના તબીબી વિધ્યાર્થીઓએ પોતાના શરીર ઉપર જુદા જુદા અંગોનું ચિત્ર રૂપે નિરૂપણ કરી, કલાના માધ્યમથી શરીરરચના અને તેનું કાર્ય શીખવાનો નવતર પ્રયોગ કર્યો હતો જેમાં ૧૫૦ ભાવિ ડોક્ટર્સ જોડાયા હતા.

ભુજ અદાણી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગ દ્વારા આયોજીત ‘ધાઉ આર્ટ, માય કેનવાસ’(ભગવાન તારું સર્જંન મારા કેનવાસરૂપી અંગ ઉપર) કાર્યક્ર્મ અંતર્ગત વિધ્યાર્થીઓએ પોતાની પીઠ, છાતી, હાથ-પગ, ચહેરા સહિતના જુદા જુદા અંગો ઉપર પરસ્પરના સહકારથી ચૈત્રણ કર્યું હતું. જેને જી. કે. જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દ્વારા વ્યાપક આવકાર મળ્યો હતો.

મેડિકલ કોલેજના એનાટોમી વિભાગના પ્રોફેસર અને હેડ ડો. સાગ્નિક રોયે કહ્યું કે આ વિભાગ દ્વારા ૧૫૦ વિધ્યાર્થીઓના ૫-૫ એવા ૩૦ ગ્રૂપ બનાવી ક્લાવૃંદની હરીફાઈ યોજવામાં આવી હતી અને આ કાર્યક્ર્મમાં ભાગ લેનારનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રથમ નંબરે ટીશા શાહ, ધ્રુવી રાયઠઠા, મૈત્રી ધનેશા, દિક્ષા પટેલ, અને ફેનિલ પટેલનું ક્રિએટિવ ટ્રેલ્સ ગ્રૂપ રહ્યું હતું.

મેડિકલ કોલેજના લેકચર હોલમાં આયોજીત આ સન્માન કાર્યક્ર્મ પ્રસંગે વિવિધ ગ્રૂપના વિધ્યાર્થીઓને સન્માન આપતા જી. કે. જનરલના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લઇએ કહ્યું કે આવી અનોખી સહ-શૈક્ષણિક પ્રવૃતિથી વિધ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય છે. મેડિકલ કોલેજના ડીન ડો. એ. એન. ઘોષે જણાવ્યુ હતું કે આ નવતર કાર્યક્રમે ગુજરાતની અન્ય મેડિકલ કોલેજને રાહ ચીંધી છે. આ પ્રસંગે ચીફ મેડિકલ સુપ્રિ. ડો. નરેંદ્ર હિરાણી, એસો. ડીન ડો. એન. એન. ભાદરકા, મેડિકલ એડમીન હેડ કર્નલ ડો. રાજેશ નાયર સહિત વિવિધ વિભાગોના વડાઓ, તબીબો અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ દરેકને ચિત્રકલાની પ્ર્તિકૃતિ પ્રતીક રૂપે અર્પણ કરવામાં આવી હતી.

Leave a comment