~ એક કાશ્મીરી ભાજપમાં કઈ રીતે જોડાઈ શકે?
~ આઝાદે કહ્યું, 19મી ઓક્ટોબરે કોંગ્રેસને નવા અધ્યક્ષ મળશે પરંતુ તે ગાંધી પરિવારની કઠપૂતળી જ હશે
કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે ફરી એક વખત સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ ભાજપમાં નહીં જોડાય. તેમણે જણાવ્યું કે, ભાજપમાં જોડાવાનો તેમનો કોઈ જ ઈરાદો નથી. આ ઉપરાંત તેમણે પોતાની પાર્ટી રચીને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે તેમ પણ જણાવ્યું હતું.
એક કાશ્મીરી ભાજપમાં કઈ રીતે જોડાઈ શકે તેવો સવાલ કર્યો
ગુલામ નબી આઝાદે પોતાના રાજીનામા બાદ કોંગ્રેસી નેતાઓ પોતે ભાજપ સાથે ગઠબંધન કરી લેશે તે અંગે જે અટકળો લગાવી રહ્યા છે તેને મૂર્ખતાપૂર્ણ વિચાર ગણાવ્યો હતો. તેમણે એવો સવાલ પણ કર્યો હતો કે, એક કાશ્મીરી ભાજપમાં કઈ રીતે જોડાઈ શકે? વધુમાં પોતાને આ પ્રકારની અટકળોથી પણ ધૃણા, નફરત હોવાનું જણાવ્યું હતું.
ગુલામ નબીએ પોતાના કોંગ્રેસ સાથેના જોડાણ મુદ્દે કહ્યું કે, ‘હું મારા કોલેજના દિવસોથી આ પાર્ટીનો હિસ્સો રહ્યો છું. હું કદી ભાજપમાં નહીં જોડાઉં. કાશ્મીરની ચૂંટણી માટે હું મારી પાર્ટી બનાવીશ.’
આ ઉપરાંત તેમણે 19મી ઓક્ટોબરે કોંગ્રેસને નવા અધ્યક્ષ મળશે પરંતુ તે ગાંધી પરિવારની કઠપૂતળી જ હશે તેમ પણ જણાવ્યું હતું.
