– સોનિયાને લખ્યું- રાહુલને ઉપાધ્યક્ષ બનાવવાથી કોંગ્રેસ બરબાદ થઈ ગઈ
કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે આજે કોંગ્રેસની પ્રાથમિક સદસ્યતા સહિત પાર્ટીના તમામ પદ પરથી રાજીનામુ આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ તેમણે જમ્મુ કાશ્મીર કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું હતું. પ્રચાર સમિતિના અધ્યક્ષ પદે નિયુક્તિના અમુક કલાકોમાં જ તેમણે રાજીનામુ આપી દીધું હતું. આ સાથે જ તેમણે જમ્મુ કાશ્મીરમાં પાર્ટીના રાજકીય મુદ્દાઓની સમિતિની સદસ્યતામાંથી પણ ત્યાગપત્ર આપી દીધો હતો.
પાર્ટીથી અસંતુષ્ટોના જૂથ એવા G-23ના પ્રમુખ સદસ્ય ગુલામ નબી આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 5 પાનાનું રાજીનામુ મોકલીને આખરે પાર્ટી છોડવાનો અંતિમ નિર્ણય જાહેર કરી દીધો છે.
અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પણ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું હતું અને સપાએ તેમને રાજ્યસભામાં પણ મોકલ્યા છે. ગુલામ નબી ઘણાં લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હતા અને જી-23 જૂથ સતત કોંગ્રેસમાં પરિવર્તનની માગણી કરી રહ્યું હતું.
સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા રાજીનામામાં ગુલામ નબી આઝાદે લખ્યું છે, ખૂબ અફસોસ અને લાગણી સાથે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથેનો મારો અડધી સદીનો સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે. ગુલામ નબી આઝાદે કહ્યું છે, ભારત જોડો યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કાઢવાની જરૂર છે.
તેમણે વધુમાં લખ્યું છે કે દુર્ભાગ્યથી પાર્ટીમાં જ્યારથી રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ અને જાન્યુઆરી 2013માં જ્યારે તમે તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવ્યા ત્યારથી તેમણે પાર્ટીના સલાહકાર તંત્રને સંપૂર્ણ રીતે બરબાદ કરી દીધું છે. આઝાદ આટલેથી ના રોકાયા અને તેમણે વધુમાં લખ્યું છે કે રાહુલની એન્ટ્રી પછી સિનિયર અને અનુભવી નેતાઓને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. બિનઅનુભવી લોકો તેમનું નવું ગ્રુપ ઊભું કરી રહ્યા છે અને તે લોકો જ પાર્ટી ચલાવી રહ્યા છે.
કોંગ્રેસે દસ દિવસ પહેલાં જ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પ્રદેશ કેમ્પેન કમિટીના અધ્યક્ષ બનાવ્યા હતા. જોકે આઝાદે અધ્યક્ષ બન્યાના 2 કલાક પછીથી રાજીનામું આપ્યું છે. જોકે ત્યારે પણ રાજીનામું આપવાના કારણ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહોતો.
