યુવાધનમાં ઉચ્ચ લક્ષ્યાંકોની ઉડાન માટે અદાણી ફાઉન્ડેશન સંકલ્પબદ્ધ

“Get Inspired”: જીવનના ઉચ્ચ લક્ષ્યાંકો સર કરવાની પ્રેરણા આપતો અવસર

~ અત્યાર સુધી આ કુલ 56,261 શાળાઓના 3,48,831 વિદ્યાર્થીઓએ આ પ્રોજેકટ હેઠળ પ્રવાસનનો લાભ લીધો

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અદાણી ગ્રુપ સંલગ્ન કંપનીઓએ શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓના ઉચ્ચ લક્ષ્યાંક ઘડતરનો સંકલ્પ લીધો છે. દેશના યુવાધનને ઉચ્ચ વિચારો અને લક્ષ્યાંકો સર કરવાની પ્રેરણા મળી રહે તે હેતુથી ઉડાન પ્રોજેક્ટ હેઠળ આ સંકલ્પ લેવામાં આવ્યો છે. તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) સંચાલિત કોલેજોના વિદ્યાર્થીઓને અદાણી ગ્રુપના વિવિધ પ્રકલ્પોના પ્રવાસ માટે કરાર કરવામાં આવ્યા છે. આ સંકલ્પ બાદ એ કરારોની ગતિ પણ વધુ વેગવાન બનશે.   

વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ શૈશવકાળમાં કરેલા કંડલા પોર્ટના પ્રવાસે તેમને જીવનમાં મહાન લક્ષ્ય નિર્ધારિત કરવાની પ્રેરણા આપી હતી. એ અનુભવથી શીખ લઈને આજનું યુવાધન જીવનમાં ઉચ્ચત્તમ લક્ષ્યાંકો સર કરે એ હેતુથી ‘ઉડાન’ હેઠળ વિદ્યાર્થીઓને અદાણી ગ્રુપના વિવિધ પ્રકલ્પોનો પ્રવાસ કરાવવામાં આવે છે. અત્યાર સુધી આ કુલ 56261 શાળાઓના 348831 વિદ્યાર્થીઓએ આ પ્રોજેકટ હેઠળ પ્રવાસનનો લાભ લીધો છે.  

અદાણી ફાઉન્ડેશનના શિલીન અદાણીએ જણાવ્યું હતું કે “ઉડાન પ્રોજેક્ટ અદાણી ફાઉન્ડેશનનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. અમે વધુને વધુ યુવાનોને ઉંચા સ્વપ્ન જોવાની પ્રેરણા મળે તે માટે પ્રયત્નશીલ રહીશું. આ પ્રોજેક્ટને શાળા અને કોલેજ કક્ષાએ ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. વિવિધ ક્ષેત્રોમાંથી આવતા કાર્યક્ષમ અને ઉર્જાવાન યુવાનોની આંખોમાં ભારતનું ઉજ્જવળ ભવિષ્ય દ્રષ્ટિગોચર થાય છે. દેશ જયારે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે યુવાનોના ઘડતર થકી દેશના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવવાનો અદાણી પરિવારનો સંકલ્પ છે”

અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઉડાન પ્રોજેક્ટ વર્ષ 2010થી શૈક્ષણિક બાબતોમાં કાર્યરત છે. જેમાં ધોરણ 9 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને મુન્દ્રા, હજીરા, કવાઈ, તિરોડા, ધમરા અને ઉડુપી સ્થિત અદાણી ગ્રુપના પ્રકલ્પોનો પ્રવાસ કરાવવામાં આવે છે.

‘જેના જીવનમાં લક્ષ્ય નથી એ તો હાલતી-ચાલતી લાશ છે.’’ ભારતના મહાન દાર્શનિક સ્વામી વિવેકાનંદના એ ધ્યેયવાક્યને ચરિતાર્થ કરતા પ્રયાસો ઉડાન પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી રહ્યા છે. ઉડાન હેઠળ યુવાનો વિશ્વની ટોચની કંપનીઓમાંની એક અંગે જાણવા અને સમજવા મળે તો તેમના સપનાઓ પણ હકીકતમાં બદલાઈ શકે છે.

“Growth With Goodness” મંત્રને અનુસરી અદાણી ગ્રુપ ઉદ્યોગક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. આ માટે અથાગ મહેનત, આત્મવિશ્વાસ અને મોટું કરવાનું સપનું પાયામાં રહેલું છે. પ્રોજેક્ટની ટેગ લાઈન “Get Inspired”ને ચરિતાર્થ કરતા યુવાનો સ્વયંની સાથે દેશના વિકાસમાં સહભાગી બને તો તે સાચા અર્થમાં પ્રેરણાદાયી બની રહેશે.

Leave a comment