IPO ની તૈયારી કરી રહેલ Go Digit માં 10% હિસ્સો ખરીદશે HDFC બેંક

દેશની ઝડપી વૃદ્ધિ પામી રહેલ ડિજિટલ ઈન્સ્યોરન્સ પ્રોવાઈડર કંપની ગો ડિજિટમાં દેશની સૌથી મોટી ખાનગી બેંકે હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગો ડિજિટ હાલ આઈપીઓ થકી શેર વેચીને ભંડોળ એકત્ર કરવાની વિચારણા કરી રહ્યું છે અને તેવામાં HDFCનું આ પીઠબળ કંપનીને વધુ મજબૂતી આપશે.

ખાનગી ક્ષેત્રની બેંકે 25 ઓગસ્ટ, ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ ગો ડિજિટ લાઇફ ઇન્શ્યોરન્સમાં 9.94 ટકા હિસ્સો ખરીદવા માટે રૂ. 49.9 કરોડથી રૂ. 69.9 કરોડનું રોકાણ કરશે. આ રોકાણ બે હપ્તામાં કરવામાં આવશે.

HDFC બેંકે કહ્યું કે “તેણે ગો ડિજિટ લાઇફ ઇન્શ્યોરન્સ સાથે નોન બાઇન્ડિંગ ટર્મ શીટ પર હસ્તાક્ષર કર્યા છે. વીમા કંપનીએ દેશમાં જીવન વીમા વ્યવસાયમાં પ્રવેશવાનો પ્રસ્તાવ મૂકે છે અને હાલ ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)ના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની રાહ જોઈ રહ્યું છે.”

IPOની તૈયારીમાં Go Digit

રસપ્રદ વાત એ છે કે ફેરફેક્સ ગ્રૂપની ઇન્વેસ્ટમેન્ટ કંપની ગો ડિજિટ લાઇફ ઇન્સ્યોરન્સ લિમિટેડે IPO માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યા છે. કંપની IPO હેઠળ રૂ. 1250 કરોડના નવા શેર જારી કરશે, જ્યારે કંપનીના પ્રમોટરો અને હાલના રોકાણકારો દ્વારા 10,94,45,561 શેર ઓફર ફોર સેલ માટે મૂકવામાં આવશે.

આ સિવાય કંપની રૂ. 250 કરોડ સુધીના ઈક્વિટી શેરના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પર પણ વિચાર કરી શકે છે. જો આ પ્લેસમેન્ટ સફળ થાય છે તો IPOમાં નવા શેરોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.

Go Digit એક ડિજિટલ વીમા કંપની છે જે ગ્રાહકોની જરૂરિયાત મુજબ મોટર ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ સહિતની વિવિધ વીમા પ્રોડક્ટ્સ ઓફર કરે છે. તે ભારતની પ્રથમ નોન-લાઈફ ઈન્શ્યોરન્સ વીમા કંપની છે, જે સંપૂર્ણપણે ક્લાઉડ પર કામ કરે છે અને તેણે અનેક ચેનલ પાર્ટનર સાથે ભાગીદારીમાં Afna એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ (API) વિકસાવ્યું છે.

Leave a comment