કોરોના મહામારી વખતે બિલાડીની ટોપની માફક ફૂટ નીકળેલી ઇન્સ્ટન્ટ ઓનલાઇન લોન આપતી લગભગ 300 એપ્લિકેશનો ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રાલયની તપાસના દાયરામાં છે અને તેમ ગમે ત્યારે પ્રતિબંધ મૂકાય તેવી શક્યતા છે એવુ સુત્રોએ જણાવ્યુ છે. આવી ઓનલાઇન એપ્લિકેશન્સ ચલાવતી કંપનીઓ દ્વારા મનફાવે તેટલુ વ્યાજ અને રિકવરીની અયોગ્ય પદ્ધતિ અને મની લોન્ડરિંગની આશંકાના પગલે સરકારની નજરે ચઢી છે.
આ અહેવાલ એવા સમયે આવ્યા છે જ્યારે કેન્દ્રીય તપાસ એજન્સી પહેલાથી જ ચીનની કંપનીઓ સાથે સંબંધ ધરાવતી અને ભારતમાં કામકાજ ધરાવતી લોન એપ્લિકેશન વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે. આમાથી ઘણી મોબાઇલ લોન એપ્લિકેશન ચીન અને હોંગકોંગમાંથી સંચાલિત કરવામાં આવી રહી છે. ઉપરાંત ઘણી મની લોન્ડરિંગ ચેનલોને શોધી કાઢવામાં આવી છે, જે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરે છે.
કોરોના મહામારી બાદ તાત્કાલિક ઓનલાઇન લોન આપતી મોબાઇલ એપ્લિકેશનોની સંખ્યા એકાએક વધી ગઇ છે. આવી લોન એપ્સ વ્યક્તિને તાત્કાલિક અને ઝડપી ઓનલાઇન લોન આપે છે. જો કે એક વખત વ્યક્તિએ લોન લીધા બાદ આ લોન એપ્લિકેશનો તોતિંગ વ્યાજની ઉધારણી કરી છે અને ન ચૂકવે તો તેની માનસિક હેરાનગતિ કરવામાં આવે છે. આ ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનની જાળમાં ફસાયા બાદ ઘણા વ્યક્તિઓએ આત્મહત્યા કરી હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે.
એક પ્રાથમિક અંદાજ મુજબ લગભગ 1000 જેટલી ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશનો સંક્રિય છે જેમાંથી મોટાભાગની એપ્લિકેશન બહુ ઓછા સમયાંતર લોન્ચ કરાઇ છે. આવી લોન એપ્લિકેશન મારફતે ચીનમાં મોટું મની લોન્ડરિંગ થઇ રહ્યુ હોવાની પણ આશંકા છે. હૈદરાબાદ પોલિસીની એક રિપોર્ટ અનુસાર ચાર ફેક કંપનીઓ ચલાવતા એક ચીની નાગરિકે લગભગ 21,00 કરોડ રૂપિયાના 1.4 કરોડ ટ્રાન્ઝેક્શન કર્યા હતા.
