અદાણી ફાઉ. દ્વારા મિયાંવકી પદ્ધત્તિથી ઊભું થયેલ વન બન્યું અનેક જૈવવિવિધતાનું આશ્રયસ્થાન

અદાણી ફાઉ. નેજા હેઠળ નાના કપાયામાં મીયાવાકી પદ્ધતિથી ઉભુ કરાયું ૫૮૮0 વૃક્ષો ધરાવતું ઘટાદાર જંગલ

જળ, જમીન અને જંગલના સંવર્ધન માટે અનુકરણીય કાર્ય

વિશ્વવિખ્યાત કચ્છના રણ વિસ્તારમાં હરિયાળી ફેલાવવાનું ભગીરથ કાર્ય થયું છે. અદાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ મુંદ્રા નજીક નાના કપાયામાં મીયાવાકી પદ્ધતિથી ૫૮૮0 વૃક્ષો ધરાવતું ઘટાદાર જંગલ ઉભુ કરાયું છે. આ જંગલની ખાસિયત એ છે કે તેમાં ઘરેલુ, જંગલી અને ઔષધિય એમ ત્રણેય પ્રકારના વૃક્ષોની માવજત કરી ઉછેરવામાં આવ્યા છે. એટલું જ નહી, જંગલની હરિયાળીથી ઉભી થયેલી ઈકોસિસ્ટમના કારણે જૈવ વિવિધતામાં વધારો થયો છે. બારેમાસ પાણીની અછત ધરાવતા આ વિસ્તારમાં પકૃતિ અને પર્યાવરણનું જતન થતાં વાતાવરણમાં તેની અસર ઉડીને આંખે વળગે છે.

ગત વર્ષ 2021માં નાના કપાયા ગ્રામ પંચાયતની મદદથી આશરે 2 એકર જમીનમાં વિવિધ પ્રકારના છોડ રોપવામાં આવ્યા હતા. આજે એ એકાદ ફૂટના રોપાઓ ઘટાદાર વૃક્ષો બની પર્યાવરણનું પોષણ કરી રહ્યા છે. એટલુ જ નહીં તે જંગલ પર નભતા જીવજંતુઓ માટેનું આશ્રયસ્થાન બની ગયા છે. આજે આ વિસ્તારમાં વિવિધ પ્રકારના પતંગીયા અને મધમાખીથી લઈને પક્ષીઓ તેમજ સરીસૃપો વસવાટ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં લોકભાગીદારીનો અભિગમ અપનાવી અદાણી ફાઉન્ડેશને શુષ્ક જમીન પર પ્લાન્ટેશન, લેવલીંગ, ડ્રીપ ઈરીગેશન, ફેન્સીંગ અને કન્સલ્ટીંગ માટેની પણ જહેમત ઉઠાવી છે.   

મિયાવાકી પ્રક્રિયામાં (Miyawaki technique) વૃક્ષોની વાવણી ત્રિસ્તરીય કરવામાં આવે છે, જેથી બે છોડ વચ્ચેનું અંતર સમાન રહે. પ્રથમ સ્તરે નિમ્નસ્તરીય રોપા જેવા કે, નગોડ, અરડૂસી, સીતાફળ, કરેણ, જાંબુ, જામફળ વગેરેમાં પક્ષીઓને  ઉપયોગી ઉત્પાદન થાય છે. મધ્યમ સ્તરીય રોપાઓ જેવા કે લીમડો, કરંજ રોપવામાં આવેલ છે. જ્યારે ઉચ્ચ સ્તરીય રોપાઓમાં દેશી બાવળ, ખાટી આમલી, કાળો શિરીષ તથા કોઠા જેવા રોપા વાવવામાં આવે છે. આ ઉપરાંત ઔષધીય છોડ લગાડવામાં આવેલ છે.

જાણીતા પર્યાવરણવિદ્ અને સંશોધક ડૉ.પંકજ જોષી જણાવે છે કે ”આ પ્રોજેક્ટ પાછળનો ઉદ્દેશ કચ્છના શુષ્ક વિસ્તારમાં બારેમાસ લીલાછમ જંગલો વિકસાવવાનો અને તે તેના પર નભતા જીવજંતુઓ આશ્રયસ્થાન બની રહે તેવો હતો. અમને એક જ વર્ષના ટૂંકાગાળામાં તેના ઉત્કૃષ્ટ પરિણામો મળ્યા છે. લાંબાગાળે વાતાવરણના શુદ્ધિકરણમાં પણ તે મહત્વનું યોગદાન આપશે.“ નજીકના ભવિષ્યમાં આ મોડેલને અને પદ્ધતિને અપનાવી અદાણી કંપનીની આસપાસના વિસ્તારમાં વિસરી માતા, પ્રતાપપર, દાનેશ્વર મહાદેવ  –સિરાચા, મોરદાદા મંદિર, નાની  ભુજપર, મતિયાદાદા દેશલપર , સરકારી હાઇસ્કૂલ મોટી ખાખર અને ધ્રબ વગેરે જગ્યા પર ૪૮૦૦૦ વૃક્ષો ઉછેરવાનું મહત્વાકાંક્ષી આયોજન કરવામાં આવ્યું છે જે કાર્ય ચાલુ છે . શુષ્ક વિસ્તારમાં ઘટાદાર જંગલો ઉભા કરવાથી ગરમીથી રાહત અને વધુ વરસાદ થવાની શક્યતા વધી જશે. એટલું જ નહીં, ફળફળાદિ અને ઔષધિય વનસ્પતિઓ થકી આવકના નવા સ્ત્રોતો પણ ઉભા કરી શકાશે.       

આ પદ્ધત્તિ જાપાનના વિજ્ઞાની અકીરા મિયાવાકી દ્વારા મિયાવાકી પદ્ધતિ વિકસાવવામાં આવી છે. આ પદ્ધતિથી ઓછી જમીનમાં અને ઓછા પાણીથી ઘટાદાર જંગલો ઊભા કરી શકાય છે. તેનાથી ખેડૂતોની આવકમાં વૃદ્ધિની સાથોસાથ ઓછી મેહનતે વધુ ઉત્પાદન મળે છે. કચ્છ જેવા વિસ્તારમાં આવુ ઉમદા કાર્ય અનેક લોકો માટે પ્રેરણાદાયી બનશે.

Leave a comment