Paytmની AGMમાં CEO વિજયશેખર શર્મા પર રોકાણકારોના પ્રશ્નોનો માર

ઓનલાઇન પેમેન્ટ કપની પેટીએમની 19મી ઓગસ્ટના રોજ શેરબજારમાં ગત વર્ષે નવેમ્બરમાં લિસ્ટિંગ થયા બાદ પહેલી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) યોજાઇ હતી. આ સભામાં રોકાણકારોએ કંપનીના સીઇઓ પર તિક્ષ્ણ પ્રશ્નોનો વરસાદ વરસાવ્યો હતો.

તો 22મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) હતી પરંતુ નવેમ્બરમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા બાદ કંપનીના શેરધારકો સાથેની આ પહેલી એજીએમ યોજાઇ હતી. પેટીએમ એ રૂ. 18,300 કરોડના આઇપીઓ સાથે શેરબજારમાં પ્રવેશ કર્યો અને તે સમયે તે દેશના કોર્પોરેટ ઇતિહાસનો સૌથી મોટો આઇપીઓ હતો. પીટીએમ એ રૂ. 2150 પ્રતિ શેરના ઓફર કરેલ શેર હાલ વૈશ્વિક સ્તરે ટેક કંપનીઓના વેલ્યુએશનમાં ઘટાડાને પગલે લગભગ 64 ટકા નીચે કામકાજ કરી રહ્યાં છે.

ગત સપ્તાહે જ પેટીએમના સ્થાપક વિજય શેખર શર્માની આગામી પાંચ વર્ષ માટે સીઇઓ તરીકે પુનઃનિયુક્તિનો વિરોધ થયો હતો. ત્રણ પ્રોક્સી સલાહકાર કંપનીઓએ તેમની પુનઃનિમણૂક અને પગાર પેકેજ સામે વાંધો ઉઠાવતી સલાહો આપી હતી. જોકે કંપનીએ હજુ સુધી એ વાતનો ખુલાસો કર્યો નથી કે રોકાણકારોએ આ બાબતે તેમના એજીએમમાં વોટિંગ મામલે કેવા પ્રકારનું વલણ દર્શાવ્યું હતું.

એજીએમ દરમિયાન શેરધારકોએ કંપનીની નફાકારકતા અને શેરના ઘટેલા ભાવ વિશે અઘરા પ્રશ્નો પૂછતા નારાજગી વ્યક્ત કરી હતી. એક રોકાણકારે કહ્યું કે તેને લાગ્યું કે તેની સાથે છેતરપિંડી થઈ છે. તે જ સમયે એક રોકાણકારે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી કારણ કે તેમના જણાવ્યા મુજબ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સે આઇપીઓ પ્રાઇસ વિશે ખોટી અપેક્ષાઓ ઊભી કરી હતી. આ તમામ સવાલોના જવાબ શર્માએ પોતે આપીને બિઝનેસ મોડલ અને શેરની કિંમત અંગે મોટાભાગના શેરધારકોની શંકાઓને દૂર કરી હતી.

એક શેરધારકે પૂછ્યું, “મેનેજમેન્ટના લોકો તગડો પગાર લઈને ઘરે જઈ રહ્યા છે. આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે પેટીએમનો ઉપયોગ કરી રહી છે. કંપની હજી કેમ ખોટ કરી રહી છે ? શેરની કિંમત લગભગ અડધી થઈ ગઈ છે અને તે ખૂબ જ કમનસીબી છે.” અન્ય એક શેરધારકે કંપની પર રિટેલ રોકાણકારોને છેતરવાનો આરોપ લગાવ્યો હતો. શર્માએ કહ્યું કે પેટીએમની ટેક્નોલોજી વિશ્વ કક્ષાની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચમાં આરબીઆઈએ પેટીએમ બેંક યુનિટને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આરબીઆઈએ તેના ગ્રાહક ડેટાનું સંચાલન કરવાની રીત પર ચિંતા વ્યક્ત કરી હતી.

કંપની ક્યારે નફો કરશે ? શેરના ભાવ કેમ ઘટ્યાં ?

પેટીએમના સીઇઓ વિજય શેખર શર્માએ કંપનીના શેરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે તેમની કંપની શેરના ભાવને કોઈપણ પ્રકારે પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતી નથી. કંપનીનું મેનેજમેન્ટ પેટીએમને નફામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પેટીએમની AGMમાં શર્માએ કહ્યું કે 2018-19 સુધી કંપની વિસ્તરણના તબક્કામાં હતી અને 2019-20થી નફો કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કંપનીએ પહેલેથી જ જણાવ્યું છે કે તે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં પૂરા થતા ક્વાર્ટરમાં ઓપરેટિંગ નફો કરતી થઈ જશે.

તેમણે કહ્યું, “અમે શેરના ભાવમાં થતી વધઘટને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતા નથી. કંપનીની નફાકારકતાનું એક મોટું કારણ છે. કંપનીની વૃદ્ધિ યોજના પણ આમાં મોટી ભૂમિકા ભજવે છે પરંતુ, શેર આ ભાવની અસ્થિરતા માટે બે પરિબળો જ જવાબદાર નથી. મેક્રો, માઇક્રો, આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને અન્ય ઘણા સેન્ટિમેન્ટ્સ શેરના ભાવ પર મોટી અસર કરે છે,”

Leave a comment