અદાણી જી. કે. જનરલ હોસ્પિટલ અને ભુજ ગાયનેક સોસાયટી દ્વારા રાષ્ટ્રીય સ્તરનો ૨ દિવસનો વર્કશોપ યોજાયો

મેડિકલ સાયન્સમાં સ્ત્રીરોગના અઘરા ગણાતા ૧૨ ઓપરેશન કરી ઓડિયો – વિડીયો માર્ગદર્શન અપાયું.

અદાણી જી. કે. જનરલ હોસ્પિટલમાં દેશના અને ગુજરાતનાં સ્ત્રીરોગના અગ્રણી તજગ્નોએ મહિલાઓના પેટમાં એક પણ કાપો મૂક્યા વિના સીધા યોનિમાર્ગથી જ ઓપરેશન કરવાની ઓડિયો-વિડીયો તાલીમ આ ક્ષેત્રના તબીબોને આપી હતી.  

મેડિકલ સાયન્સમાં અત્યંત અઘરા ગણાતા આવા ૧૨ જેટલા ઓપરેશન બે દિવસના વર્કશોપમાં કરી કચ્છમાં ગાયનેક તબીબોને નવી દિશા બતાવી હતી, જે કચ્છ માટે આર્શીવાદ સમાન પુરવાર થશે એવો દેશ અને રાજ્યના ગાયનેક તજગ્નોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જી. કે. જનરલ હોસ્પિટલ ભુજ ઓબસ્ટ્રેટીક ગાયનેક સોસાયટી તેમજ ઇન્ડિયન ગાયનેક સોસાયટી આયોજિત આ વર્કશોપમાં ગર્ભાશયનું ખસી જવું, ગર્ભાશયમાં મોટી ગાંઠ થવી, ગર્ભાશયની દિવાલ ફૂલી જવી, ઉધરસ કે છીંક ખાવાથી પેશાબ લીક થઈ જવો તેમજ ગર્ભાશયના કેન્સર જેવા ઓપરેશનનું પ્રત્યક્ષ ઓડિયો-વિડીયો મોનિટરિંગ કરી નવોદિત તબીબોને ઓપરેશનની આ નવી પદ્ધતિની તાલીમ આપી હતી.

જી. કે. જનરલ હોસ્પિટલના કોન્ફરન્સ હોલમાં આ વર્કશોપનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રીય સ્તરના અને ઓરિસ્સાના વિખ્યાત ગાયનેક ડો. હરા પટનાયકે જણાવ્યુ હતું કે કાપો મૂક્યા વિના કરાતા આ વજાઈનલ ઓપરેશનથી બહેનોમાં તાત્કાલિક રિકવરી આવે છે અને તેઓ રોજબરોજની જિંદગી સરળતાથી જીવી શકે છે. સ્ટેટ સોસાયટીના માનદમંત્રી ડો. દિપેશ ધોળકિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વર્કશોપ રેસિડેન્ટ ડોક્ટર્સ માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે.

મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લઇના સહકારથી આયોજિત આ વર્કશોપમાં જી. કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેંડેંટ ડો. નરેન્દ્ર હિરાણીએ વર્કશોપને કચ્છ ગાયનેક સોસાયટી માટે નવી દિશા આપનારું ગણાવ્યું હતું. અદાણી મેડિકલ કોલેજના ડિન ડો. એ. એન. ઘોષે આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું કે આ વર્કશોપ કચ્છના મેડિકલ જગત માટે સીમાચિહ્ન રૂપ પુરવાર થશે. એસો. ડિન ડો. એન. એન. ભાદરકા તેમજ ડો. (કર્નલ) રાજેશ નાયરે પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

જ્યારે અમદાવાદનાં સ્ત્રીરોગ વિભાગના તજગ્ન ડો. મુકેશ બાવીસી, ગોંડલના ડો. ગિરધર પટેલ સહિત અન્ય નિષ્ણાંતોએ ઓપરેશન કરી નિદર્શન કર્યું હતું.

પ્રારંભમાં કચ્છ ગાયનેક સોસાયટીના પ્રમુખ ડો. નરેશ ભાનુશાલી અને ગાયનેક સોસાયટીના રાજ્ય સ્તરના પ્રમુખ ડો. ગોપાલ હિરાણીએ સ્વાગત પ્રવચન કરી વર્કશોપનું મહત્વ સમજાવ્યું હતું, અને કચ્છ  ગાયનેક સોસાયટીના માનદમંત્રી અને ગુજરાત ગાયનેક સોસાયટીના સહમંત્રી ગાંધીધામના ડો. ભાવિક ખત્રીએ સંચાલન કરી આભાર દર્શન કર્યું હતું. ભોજાય સર્વોદય ટ્રસ્ટ તેમજ સ્ત્રીરોગ વિભાગના તબીબ ડો. ધર્મી પટેલ અને રેસિડેન્ટ ડો. મિલ્કી પટેલ સહિત સમગ્ર વિભાગે સહકાર આપ્યો હતો.

Leave a comment