કચ્છના યુવાનોમાં એવી તાકાત અને આવડત છે કે તે ગમે તે ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે: રક્ષિતભાઈ શાહ

અદાણી ફાઉ. દ્વારા ઝરપરા ગ્રામ પંચાયતના પ્રયત્નોથી ગામની “વીર આઝાદ ટીમ“ ને મેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી

ગ્રામીણ યુવાનો પોતાના  સાહસ દ્વારા સિદ્ધિ મેળવવા માટે અનેકવિધ પાસાઓમાં મહેનત કરતાં હોય છે. જેના દ્વારા પોતાના નામ સાથે ગામનું પણ નામ રોશન કરે છે. આજના યુવાનો  કોઈ નેશનલ કક્ષાની રમત  કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય તેમાં પોતાની મહેનત દ્વારા નસીબને અજમાવે છે. પરંતુ તેના માટે પાયાની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી તે ગ્રામ પંચાયત, શ્રેષ્ઠી, આગેવાનો કે જે તે વિસ્તારમાં સામાજિક ઉત્તરદાયિત્વનું કામ કરતાં ઉધોગગૃહ દ્વારા ઊભી કરવી જોઈએ,જેથી યુવાનોની મહેનત બર આવે.

આ ઝરપરા ગામે મુંદરા પેટ્રો કેમીકલ લીમીટેડના આર્થિક સહયોગથી ગ્રામ પંચાયત અને આગેવાનોની રજૂઆત તથા  યુવાનોની માંગણી અનુસાર અદાણી ફાઉન્ડેશન-મુંદરા દ્વારા ઝરપરા ગામના કબ્બડીની રમત સાથે જોડાયેલા યુવાનો માટે ૨૦૦ ચોરસ મીટર મેટ આપીને એક નેશનલ કક્ષાની રમત રમી શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી. ઝરપરા ગામે ઘણીવાર કબ્બડી સ્પર્ધાનું આયોજન થતું હોય છે. આ ગામની “ વીર આઝાદ ટીમ “ના ખેલાડીઓ રાજ્ય તેમજ રાષ્ટ્ર કક્ષાએ કબ્બડી રમી ચૂક્યા છે, પણ ઘર આંગણે સૌ પ્રથમવાર મેટ પર રમવાનો મોકો મળ્યો છે.

આ યુવાનોને સતત પ્રેરણા અને  પ્રોત્સાહન પૂરું પાડતા ગામના યુવા સરપંચશ્રી ખીમજીભાઇ મહેશ્વરી તથા નારણભાઈ ગઢવીએ કહ્યું કે “ મુંદરા પેટ્રો કેમીકલ લીમીટેડ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા અમારી રજૂઆતને સ્વીકારી યુવાનો માટે જે સુવિધા આપી તે અમારા માટે ગૌરવની વાત છે. અમો વિશ્વાસ આપીએ છીએ કે આ ઝરપરાના યુવાનો આ મેટ પર પ્રેક્ટિસ કરીને માત્ર રાજ્યકક્ષા પૂરતા નહીં પણ રાષ્ટ્ર કક્ષાએ સિદ્ધિ હાંસલ કરશે.”

એ.પી.એસ.ઈ.ઝેડ.ના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટરશ્રી રક્ષિતભાઈ શાહે કહ્યું કે “આ કચ્છની ધરતીના યુવાનોમાં એવી તાકાત અને આવડત છે કે તે ગમે તે ક્ષેત્રમાં ખેડાણ કરી સફળતા મેળવી શકે છે. યુવાનો પાસે બધાને ખૂબ અપેક્ષા હોય છે. આ ટીમ સફળ બને તેવી શુભેચ્છા પાઠવું છું. અદાણી ફાઉન્ડેશનના યુનિટ સી.એસ.આર. હેડ શ્રી પંક્તિબેન શાહે પોતાનો રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યું કે “ યુવાન જે ધારે તે કરી શકે છે, આ ગામમાથી અનેક યુવાનો ઘણાં બધાં ક્ષેત્રમાં આગળ આવ્યા છે. આ ગામમાં અમારા  દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપેલ સુવિધામાં પણ સારી સફળતા મળી છે. આ યુવાનવય જ પોતાની કારકિર્દી ઘડવાનો ઉત્તમ સમય છે. “

આ તમામ સુવિધા માટે બધાં સાથે સંકલન અદાણી ફાઉન્ડેશનના પ્રોજેકટ ઓફિસર પ્રકાશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ. 

Leave a comment