ભારતીય રિઝર્વ બેન્કે માર્ચ 2022ના અંતે સમાપ્ત થયેલા છ મહિનામાં દેશના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં 16.58 ટન કિંમતી પીળી ધાતુ સોનાનો ઉમેરો કર્યો છે જેને પગલે ભારતનું કુલ ગોલ્ડ રિઝર્વ વધીને 760.42 ટને પહોંચી ગયુ છે.
રિઝર્વ બેન્કે એવા સમયે ગોલ્ડ રિઝર્વમાં વધારો કર્યો છે જ્યારે એક બાજુ વિદેશી રોકાણકારો સતત સાત મહિનાથી ભારતીય શેરબજારમાં ચોખ્ખા વેચવાલ છે ઉપરાંત દેશનું ફોરેક્સ રિઝર્વ સપ્ટેમ્બર 2021ના 642.45 અબજ ડોલરના સર્વોચ્ચ શિખરેથી 44.73 અબજ ડોલર ઘટીને એપ્રિલ 2022ના અંતે 597.72 અબજ ડોલર થયુ છે.
દેશના કુલ 760.42 ટન ગોલ્ડ રિઝર્વમાંથી 453.52 ટન સોનું બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને બેન્ક ઓફ ઇન્ટરનેશનલના સેફ ડિપોઝિટ વોલ્ટ છે તેમજ 295.82 ટન સોનુ દેશમાં છે. સુવર્ણ ભંડોળ વધતા ભારતના કુલ વિદેશી હૂંડિયામણમાં ગોલ્ડ રિઝર્વનું યોગદાન સપ્ટેમ્બર 2021ના 5.88 ટકાથી વધીને માર્ચ 2022ના અંતે 7.01 ટકા થયુ છે.
સોનાના ભાવ વધતા રિઝર્વ બેન્કના ગોલ્ડ હોલ્ડિંગનું છ મહિનામાં 5.162 અબજ ડોલર વધીને માર્ચ 2022 સુધીમાં 42.55 અબજ ડોલર થઈ છે. ભારતનું સુવર્ણ ભંડોળ માર્ચ 2021 સુધીમાં 65.11 ટન વધીને 695.31 ટન થયુ હતુ અને છેલ્લા બે વર્ષમાં 142.18 ટનનો ઉમેરો થયો છે. દુનિયામાં સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતા દેશોની યાદીમાં ભારત નવમાં ક્રમે છે. કોરોના મહામારી બાદ દુનિયાભરની મધ્યસ્થ બેન્કોએ પોતાના ગોલ્ડ રિઝર્વમાં સતત વધારો કર્યો છે.
