– જળસંચય વિશે વિચારોનું આદાન-પ્રદાન અને મહાનુભાવોના હસ્તે ‘પાણીદાર’ કર્મવીરોનું અભિવાદન
મુંદ્રા ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ જળ દિવસની વિશિષ્ટ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. મંગળવારે આયોજીત આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓના સંચાલકો, અગ્રણીઓ અને ધરતીપૂત્રો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ જળ દિન નિમિત્તે “ભૂગર્ભ જળ: અદ્રશ્ય ને દ્રશ્ય બનાવવુ“ સિદ્ધાંત અંતર્ગત કામ કરતાં કર્મવીરોના માર્ગદર્શન અને અનુભવોની આપ-લે કરવામાં આવી હતી.
આજે વિશ્વભરમાં પાણીની સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે જળવ્યવસ્થાપન યોગ્ય રીતે થાય તે ખુબ જ મહત્વનું છે. આ કાર્યક્રમમાં જળસંચય અંગે પરિણામલક્ષી વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું તેમજ જળસંચય અંગે જનજાગૃતિ ફેલાવનાર કર્મવીરોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. APSEZના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઇ શાહે કર્મવીરોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે “જળસંચય મામલે લોકભાગીદારીથી પરિણામલક્ષી કાર્યો દ્વારા આપણે માત્ર મુંદ્રા જ નહી, પરંતુ આખાય કચ્છને આત્મનિર્ભર બનાવીએ“. તેમણે સૌને જળસંચય અભિયાનમાં જોડાવાની પણ હાંકલ કરી હતી.
કચ્છ નવનિર્માણ અભિયાનના પ્રમુખ દીપેશભાઇએ કચ્છમાં પાણીની સમસ્યાને ઉકેલવા પ્રયત્નશીલ એવા કાંતિસેનભાઈ શ્રોફ (કાકા)ને યાદ કર્યા હતા. ભૂતકાળની ભૂલોને સુધારી લોકભાગીદારીથી કામ કરવા અંગે રાજીપો વ્યક્ત કરતા તેમણે તમામ કર્મવીરોને ભારોભાર બિરદાવ્યા હતા.
જળસંગ્રહ બાબતે તાંત્રિક માર્ગદર્શન આપતા એરીડ કોમ્યુનિટિઝ એન્ડ ટેકનોલોજીના ડાઇરેકટર યોગેશભાઈ જાડેજાએ જણાવ્યુ હતું કે “વરસાદના પાણીના સંગ્રહ માટે હજુ ઘણું કરવાનું બાકી છે“. તેમણે અટલ ભૂજલ યોજનાને વધુ ઉપયોગી બનાવવા લોકોના સાથ-સહકારની અપીલ કરી હતી..
આ પ્રસંગે ઉપસ્થિત નાબાર્ડના ડી.ડી.એમ. નીરજકુમાર સિંઘે કચ્છમાં નર્મદાના નીર લાવવા બની રહેલી કેનાલ માટે નાબાર્ડની ભૂમિકા વિશે માહિતી આપી હતી. તેમણે આ વિસ્તારમાં વધુમાં વધુ ફાર્મર પ્રોડયુસર કંપનીઓ બને અને તેમાં ખેડૂતો જોડાય તેવી અપીલ કરી હતી.
કાર્યક્રમનુ મહત્વ અને મહેમાનોને અવકારતા અદાણી ફાઉન્ડેશનના યુનિટ સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે પ્રાસંગીક ઉદબોધન કરી વિશ્વ જળ દિવસના મહત્વ વિશે જણાવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પાણીદાર કર્મવીરોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કુદરતના સર્જનને કેમેરામાં કંડારનાર શોકભાઈ ચૌધરી, માણેકભાઈ ગઢવી અને વિરલકુમાર બારૈયાનું શાલ અને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું. સન્માનનિત જળવીરોએ વરસાદી પાણીના સંગ્રહ માટે લોકભાગીદારીનું મહત્વ સમજાવ્યું હતું. પાણી સંગ્રહ માટે કૂવા તેમજ બોરવેલના જીવંત વિડીયો ખીમરાજ ફિલ્મસ દ્વારા બતાવવામાં આવેલ.
કાર્યક્રમમાં પ્રદર્શિત કુદરતી સર્જનની તસવીરો અને ગાય આધારિત ખેતી દ્વારા થયેલા કાર્યોને જોઈને લોકો અભિભૂત થયા હતાં. સૌને ગાય આધારિત ખેતીનું માર્ગદર્શન આપતું કેલેન્ડર ભેંટ કરવામાં આવ્યું હતું. આ વિશ્વ જળ દિવસની ઉજવણી પ્રસંગે આસપાસના ગામોના ખેડૂતો સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ટાંકસાહેબ, વાસ્મો તરફથી હાર્દિકભાઇ ધોળકિયા, કચ્છ કલ્પતરૂ પ્રોડયુસર કંપનીના મેનેજિંગ ડાઇરેક્ટર વિરમભાઇ સાખરા, કચ્છ ફળઝાડ,ઘાસચારા અને જંગલ વિકાસ ટ્રસ્ટના જયેશભાઇ લાલકા, ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર -પ્રાગપરથી ગિરીશભાઇ નાગડા,સાત્વિક સંસ્થાથી પ્રવીણભાઈ મૂછડિયા, મુંદ્રા સરપંચ સંગઠનના અધ્યક્ષ શક્તિસિંહજી જાડેજા તેમજ વિવિધ ગ્રામ સંગઠનોના પ્રતિનિધિઓએ હાજર રહી કાર્યક્રમને માણ્યો હતો.
